આ શબ્દે તો મસમોટી જંજાળ ઉભી કરી છે.રીતસરની રંજાડ છે એની.ક્યારેક એને જોઇને એવો કાળ ચડે છે કે એમ થાય કે એને આ ધરતીમાંથી નેસ્તનાબૂદ કરી નાખું.ને ક્યારેક એમ થાય કે સાલું આવું આપડા જ જોવામાં ન આવતું હોય તો? ફેશન થી માંડીને ફોન અને માશુકાથી માંડીને મમ્મીઓનાએટીટ્યુડ સુધી જોઈએ તો આ ઠેર ઠેર છે.એક રીતે જોવા જઈએ તો એ એક બીમારી છે.એમાય મમ્મીઓના મામલે તો બાપા(!!!) બહુ જ ત્રાસ છે.
એક મમ્મી એમ કહે કે મેં તો મારા દીકરાને આવી છૂટ આપી છે ને તેવી છૂટ આપી છે એટલે એને સાંભળનારી બીજી મમ્મીઓ તરત જાણે-અજાણે
એ મુજબનું વર્તન કરવાની ટ્રાય મારવા લાગે છે.
મમ્મીઓ અફકોર્સ પોતાના સંતાનોને જાણતી હોય છે,પણ આવું વર્તન કેટલેક અંશે યોગ્ય છે?દરેક બાળક જુદા વાતાવરણમાં,જુદા વિચારો સાથે ઉછરે છે ને
એટલે જ એ અલગ હોય છે.જેમ આંખની સાઈઝ પણ સરખી નથી હોતી,ફિંગરપ્રિન્ટ પણ સરખા નથી હોતા,એમ દરેક બાળક પણ જુદા જુદા વિચારો સાથે જીવે છે,દુનિયાને જુએ છે ને મુલવે છે.
તોય માતાઓ મુલ્યો,સંસ્કાર,પરંપરા ના નામે યુવા સંતાનોને હાંક્યા કરે છે.એ બધું જ જરૂરી છે કેમકે વારસો આગળ ધપાવવો પણ જરૂરી છે.પણ સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે સંતાન એક સ્વતંત્ર અસ્તિત્વ છે,એક જીવંત વ્યક્તિત્વ છે.એને પણ ગમા-અણગમા,ગુસ્સો,મુડ,મિજાજ,રસરુચિ બધું જ છે.પણ એ જયારે તમને પ્રાયોરીટી આપે છે ત્યારે એ શું વિચારીને આગળ વધે છે એ પણ જાણવાની કોશિશ કરવી પડે.બની શકે કે મમ્મી કરતા માશુકાને લેસ પ્રાયોરીટી આપીને એ બધું બેલેન્સ કરવા માંગતો હોય.બની શકે કે બાપને મહત્વ આપતી વખતે બોયફ્રેન્ડનો ગુસ્સો ઝેલવો પડ્યો હોય.બની શકે કે પ્રિયજનના પ્રેમને તાકાત બનાવીને કેરીઅર આગળ વધારવાના મનસુબાઓ હોય.બની શકે કે ઓફ્ફિશિઅલિ કમીટેડ જાહેર થયા વગર માત્ર વિશુદ્ધ પ્રેમને વળગી રહીનેય જિંદગીના કડવા સત્યોને હસતા હસતા ઝીલવાના વારા આવ્યા હોય.બની શકે કે ભૂતકાળની યાદોમાં ઈન્વોલ્વમેન્ટ ન હોવા છતાંય વર્તમાન અને ભવિષ્યને વગર વાંકે દાવ પર લગાડી દીધું હોય.બની શકે કે સંઘર્ષમાં સાથ ન આપેલ સંબંધીઓ માટેની નફરત મસમોટી ખીણ બની ગઈ હોય ને જિંદગી ફરી પાછી ત્યાં જ લાવી મુકે.બની શકે કે મુલ્યો અને પરંપરાઓનો સંતાન જ ઉઠીને વર્તન-વિરોધ થી કચ્ચરઘાણ બોલાવતું હોય.
પણ,શું સંતાન માતાને ઓળખે છે?નહિ,બિલકુલ નહિ.માતા પણ આખરે એક સ્ત્રી છે ને દરેક સ્ત્રીની જેમ એ પણ બેશુમાર પ્રેમ કરે છે અને એટલે જ પઝેશનની લાગણીમાં અટવાય છે.બીજાઓ આગળ “મારો દીકરો તો કોઈ દિવસ અણછાજતું પગલું ભરે જ નહિ” એવી વાત કર્યા પછી જયારે(આ બધું જાણ્યા છતાંય) સંતાન દબાતા અવાજે પોતાના રીલેશનનો નિખાલસ એકરાર કરે ત્યારે એ હચમચી જાય છે.હવે સંતાન મૂંઝાય છે.કરવું શું?રીલેશન તોડી નાખવો?કેરિયર બાજુ જોવું?ધમપછાડા કરીને હા પડાવવી?ખબર પડે તો કૈક કરે ને?એટલે સરવાળે એ મૂંગું બની જાય છે.ઘરની શાંતિ જાળવવા,મમ્મીને શાંત થવા માટે,પોતાની આંતરખોજ માટે…રસ્તાઓ ઘણા છે છાનગપતીયાના.પણ એનાથી માત્ર છેતરવાની લાગણી થયા કરે.કશુક ખૂંચતું લાગે.વિરહ સહેવાય નહિ ને મળવાનું મમ્મીને પુછાય નહિ.એમાય જો સગાઓને થોડીઘણી ખબર હોય તો રોજ ઉઠીને તમારું જીવતાજીવત એન્કાઉનટર થાય સવાલોથી.
‘શું પછી કેટલેક પહોચ્યું તમારું?’
‘હવે કેટલી વાર છે વાજા વગડાવવાને?’
એક વાત કોઈ મને સમજાવશે?કુથ્લીનો આવો વિકૃત અને હલકટ શોખ જ કેમ છે સમાજમાં?કોઈ એકાદ-બે સારા પુસ્તકો વાંચતા તો જોયા જ નથી કહેવાતા વડીલોને…કોને શું કરવું જોઈએ એનું મોટું બધુ લેકચર આપતા વડીલો વહુ-દીકરીઓના મામલે એકદમ રૂઢીવાદી બની જાય છે.આવું દેખાદેખીથી થાય છે.’ફલાણાની વહુ તો કેવી સજીધજીને ફરે છે?મારી વહુ જ આડી હાલે છે.’
‘પેલાને તો એની મમ્મી જ ગોતી આપશે રૂપાળી છોકરી.’..ઉફ્ફ…સરખામણી જ શું કામ છે?બસ,પોતાનું વધુને વધુ સારું રહેવું જોઈએ,સમાજમાં માણસો આપણું નામ લે ત્યારે એમ થવું જોઈએ કે શું માણસ હતા એ….
વસ્તુ ક્લીઅર કટ છે.તમે એને આન્સરેબલ હોવા જોઈએ જે તમને આન્સરેબલ હોય.કોઈની દીકરી,દીકરો,જીવનશૈલી,વિચારો,સમાજમાં સ્થાન એ બધાની ડાયરેક્ટ કોપી કરીને પોતાના સંતાનમાં એ ન જોવું.એ સજ્જ છે,પોતાના વિચારોમાં,પોતાના કામો-કર્તવ્યોમાં,પોતાના દરેક રીલેશનની જાળવણીમાં,પોતાના ફેમિલીના સંગઠનમાં…બસ,જરાક સમજો…પ્લીઝ…
